“વસંતોત્સવ – જગ હોરી, વ્રજ હોરા” (ભાગ-૪)
શ્રીગુસાંઈજીએ સંસ્કૃતમાં દાનલીલા લખી છે. એની પૂર્ણાહુતિમાં એમણે એક પંક્તિ લખી છે. ઈતિ શ્રીમદ્ વ્રજેશસ્ય તત્પ્રિયાણાં ચ વાંછિતમ્ મિત સર્વસ્વ દાનમ્ વિઠ્ઠલઃ સ્વાશ્રયે કરો. શ્રી વ્રજેશ અને વ્રજેશની પ્રિયાઓએ પરસ્પર જે દાન કર્યું, એ પોતાના હૃદયમાં બિરાજે એવી શ્રીગુસાંઈજી ભાવના કરે છે.
આવાં ગોપીજનોનો પ્રેમ શ્રીઠાકોરજીમાં સહજ છે. શ્રીઠાકોરજીએ પોતે દાન કરેલો છે. એમની સમગ્ર ઈન્દ્રિયો કૃષ્ણરસમાં સમાઈ ગઈ છે. આ લીલાની સાથે તમે વેણુગીતને જોડી શકો છો. કારણકે વેણુગીતમાં એ ભાવ ગોપીજનોમાં જાગ્યો છે. શ્રીમહાપ્રભુજીએ સુબોધિનીજીમાં પણ કહ્યું છેઃ ભગવતા સહ સંલાપઃ દર્શનં મિલિતસ્ય ચ. બધી જ ઈન્દ્રિયો કૃષ્ણરસમાં ડૂબી જાય. એટલા માટે પરમાનંદદાસજીએ એક બહુ સુંદર કીર્તન ગાયું છેઃ
ભવન છાંડ બન જઈએ યાતે
માઈ ભવન છાંડ બન જઈએ ।
આંખ રસ કાન રસ બાત રસ નંદનંદનપેં પઈએ ।।
આ સમ્યકતયા ભોગ છે. જેમાં બધી ઈન્દ્રિયો જોડાઈ જાય. કામનું સ્વરૂપ શાસ્ત્રોમાં આપવામાં આવ્યું છે. શ્રોત્ર, ત્વક્, ચક્ષુ, જિહ્વા, ઘ્રાણાનામ્ આત્મસંયુક્તેન સમુદિષ્ઠિાતાન્ તેષુ તેષુ વિષયેષુ આનુકલ્પક પ્રવૃત્તિ કામઃ. આપણા આંખ, નાક, કાન બધું જ મન સાથે પોતપોતાના વિષયોને લઈને પોતાના પ્રિયતમ સાથે જોડાઈ જાય એનું કામ છે.
આવો કામ ગોપીજનોના હૃદયમાં કૃષ્ણસ્વરૂપે પ્રકટ્યો છે. આ સહજ પ્રીત કૃષ્ણ સ્વરૂપે જાગી છે. સહજ પ્રીત ગોપાલ હી ભાવે.
સહજ પ્રીત ગોપાલ હી ભાવે ।
મુખ દેખે સુખ હોય સખીરી પ્રીતમ નૈનસુ નૈન મિલાવે ।।૧।।
સહજ પ્રીત કમલ ઔર ભાને, સહજ પ્રીત કુમુદિની ઔર ચંદે ।
સહજ પ્રીત કોકિલા વસંતે, સહજ પ્રીત રાધા નંદનંદે ।।૨।।
સહજ પ્રીત ચાતક ઔર સ્વાતિ, સહજ પ્રીત ધરણી જલધારે ।
મન કર્મ બચન દાસ પરમાનંદ, સહજ પ્રીત કૃષ્ણ અવતારે ।।૩।।
પરમાનંદદાસજી કહે છે કે આ પ્રેમ એવો સહજ છે કે જેવી રીતે સૂર્ય અને કમળને સહજ પ્રેમ છે, જેમ કુમુદ અને ચંદ્રની સહજ પ્રીતી છે. પંચમ રાગમાં ગાતી કોયલ અને વસંતઋતુને જેમ સંબંધ છે. રાધા અને નંદનંદનની સહજ પ્રીતિ છે. સ્વાતિના બિંદુ માટે ચાતકની જેવી પ્રીતિ છે, ધરતી અને વાદળની જેમ પ્રીતિ છે, તે જ રીતે મન કર્મ વચનથી પરમાનંદદાસજીની પ્રીતિ શ્રીકૃષ્ણમાં છે.
વસંત ઋતુમાં હોળીખેલના ૪૦ દિવસો આવે છે. આ ૪૦ દિવસોને ૪ વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યા. દસ દિવસનો પહેલો તબક્કો, દસ દિવસનો બીજો તબક્કો, દસ દિવસનો ત્રીજો તબક્કો અને દસ દિવસનો ચોથો તબક્કો. સહજ પ્રીત કરનાર ભક્તો ચાર પ્રકારના સ્વભાવવાળા છે. સાત્વિક ભક્તો, રાજસ ભક્તો, તામસ ભક્તો અને નિર્ગુણ ભક્તો. આ ચારેચાર ભક્તોના પ્રતીક સ્વરૂપ વસંતખેલમાં ચાર પદાર્થોનો ઉપયોગ ખેલાવવા માટે કરવામાં આવે છે. ચંદન, ચોવા, ગુલાલ અને અબીલ. સફેદ રંગ સાત્ત્વિક ભાવનો છે. લાલ રંગ રાજસ ભાવનો છે. શ્યામ રંગ તામસ ભાવનો છે. ચંદનીયા રંગ નિર્ગુણ ભાવનો છે. તમે ગમે તેવા રંગ વાપરો પણ ૪૦ દિવસ શ્રીઠાકોરજીને ખેલાવવા માટે આ ચાર રંગો વાપરવા. પછી કેસૂડો વાપરો કે કેસરનો રંગ વાપરો. એ પણ અંતે તો પીળો જ છે.
બીજો ભાવ એવો છે કે ચંદન એ શ્રીસ્વામિનીજીના શ્રીઅંગનો વર્ણ છે. લાલ રંગ સ્વામિનીજીના મુખારવિંદ ઉપર જ્યારે આનંદ વધે છે ત્યારે લાલ લાલ ગુલાબી છવાઈ જાય છે, એનો છે. શ્યામ રંગ શ્રીસ્વામિનીજીની આંખમાં અંજાયેલા કૃષ્ણકાજળનો છે. શ્વેત રંગ આપશ્રીના શ્રીઅંગ ઉપર આનંદની જે કાંતિ વધી છે, એ કાંતિનો રંગ છે. આમ ચોવા, ચંદન, અબીલ, ગુલાલ એ ચાર રંગોથી આપણે આ ભાવથી ખેલાવીએ છીએ.
ચાર યૂથાધિપતિઓ છે. શ્રીયમુનાજી, શ્રીચંદ્રાવલીજી, શ્રી લલિતાજી અને શ્રીસ્વામિનીજી. આમ તો બધા જ ભક્તો દરરોજ સેવા કરે છે. પરંતુ આ બધામાં પણ મુખ્ય કોઈ એક હોય છે. એટલે દસદસ દિવસ જુદા જુદા સ્વામિનીજીની મુખ્ય સેવા છે. પહેલા દસ દિવસ શ્રીયમુનાજીની સેવા છે. જોકે એમની સાથે બીજા ભક્તો પણ જોડાયેલા જ હોય છે. આ દસ દિવસ વસંતપંચમીથી લઈ મહા સુદ ૧૪ સુધી સૂક્ષ્મ ખેલ થાય છે. કેવળ વસંત રાગ ગવાય છે. બીજા બધા રાગ મહા સુદ પૂનમ હોળી દંડો રોપાય ત્યારથી શરૂ થાય. બહાર તમે જો વસંત રાગ જોશો તો એ અલગ રીતનો ગવાય છે. એમાં બે જાતના મ ગવાય છે, પરંતુ આપણે ત્યાં જે વસંતરાગ ગવાય છે. એમાં શુદ્ધ મ ગવાય છે. શ્રીગુસાંઈજીએ આપણે ત્યાં મ પ્રધાન વસંતરાગની શરૂઆત કરી છે. એમ કહેવાય છે કે આ જે સાત સ્વર છે સા, રે, ગ, મ, પ, ધ, ની – એ જુદા જુદા પક્ષીઓના કેકારવમાં બોલવામાં આવતા સ્વરો છે. ષડજ સા એ મયૂરનો કેકારવ છે. ઋષભ રે ચાતકનો સ્વર છે. ગાંધાર ગ પછી એ કોમળ હોય કે શુદ્ધ હોય અજ એટલે બકરાના ગળામાંથી નીકળેલો સ્વર છે. મધ્યમ મ શુદ્ધ કે તીવ્ર એ ક્રૌંચ પક્ષીના મુખમાંથી નીકળેલો છે. પંચમ એ કોકિલાના એટલે કે કોયલના મુખમાંથી નીકળેલો છે. ધૈવત એટલે ધ એ શુદ્ધ હોય કે કોમળ એ મંડૂકના એટલે દેડકાના મોઢામાંથી નીકળેલો છે. નિ નિષાદ એ હાથીની ચિત્કાર – હાથીનો અવાજ છે. આ જે જુદા જુદા રાગો છે એમાં વાદી ને સંવાદી સ્વરો રસ પ્રમાણે આવે છે. મ અને પ આ બે સ્વરો શૃંગાર અને હાસ્યના પ્રધાન સ્વરો છે.
તમે જાણો છો કે ભરત મુનિએ આઠ પ્રકારના રસ કહ્યા છે. સાહિત્યદર્પણકારે નવ પ્રકારના રસ કહ્યા છે અને ભક્તિમાર્ગમાં દસ પ્રકારના રસ છે. મનુષ્યને પોતાના અંતઃકરણમાં જે રસ એટલે આનંદ આવે છે એ ભક્તિમાર્ગ પ્રમાણે દસ પ્રકારે આવે છે અને દરેકના સ્થાયી ભાવો હોય છે. એ સ્થાયીભાવમાંથી રસની નિષ્પત્તિ થાય છે. તો મ અને પ એ શૃંગાર અને હાસ્યરસના પ્રધાન સ્વરો છે. સા અને રે એ રૌદ્ર અને વીરરસના પ્રધાન સ્વરો છે. મ અને ની એ કરુણરસના પ્રધાન સ્વરો છે. ગ એ બિભત્સ – ભયાનક અને અદ્ભુત આ ત્રણ રસના પ્રધાન સ્વરો છે. જ્યારે વસંત રાગની વાત આવી ત્યારે આપણા કુંભનદાસજીએ એક બહુ સુંદર પદ ગાયું છે. તેઓ કહે છે કે ભાઈ, તમે બધા રાગોની વાત કરો, હજારો રાગો છે, તેના જુદા જુદા સંમિશ્રણો પણ છે. પણ ઔર રાગ સબ ભયે બારાતી, દુલ્હે રાગ વસંત જ્યારે જાન ઠાઠમાઠથી નીકળે ત્યારે વરરાજા મુખ્ય હોય તેમ બધા રાગોમાં મુખ્ય રાગ તો વસંત છે. કારણ કે એ આનંદ અને પ્રેમનો રાગ છે.
મદન મહોત્સવ આજ સખીરી બિદા ભયો હેમંત.
હેમંત ગયો અને મદનમહોત્સવ આવ્યો છે
મધુર સ્વર કોકિલ કલ કૂજત બોલત મોર હસંત
ગાવત નાર પંચમ સૂર ઊંચે જૈસે પીક ગુણવંત.
હાથ લઈ કનક પિચકાઈ મોહન ચાલ ચલંત
કુંભનદાસ શ્યામા પ્યારીકો મિલ્યો હૈ ભાવતો કંત.
કંત એટલે સ્વામીકંથ.
આ કીર્તન બહુ પ્રસિદ્ધ છે.
આ દસ દિવસની અંદર પ્રિયા – પ્રિયતમને બિરાજમાન કરી નંદભવનમાં સૂક્ષ્મ ખેલ થાય છે. આ ખેલમાં પરસ્પરનાં સૌંદર્યનું દર્શન છે. આ દિવસોમાં પીચકારી નથી ઊડતી, અબીલગુલાલની અંધિયારી નથી થતી અને ઠાકોરજી પાસે અબીલગુલાલની પોટલીઓ પણ નથી પધરાવવામાં આવતી. છડી અને ગેંદ પણ નથી પધરાવવામાં આવતા. અમારા સૂરતના ઘરમાં આ દસ દિવસ ગ્વાલનાં દર્શન સમયે પ્રભુને ખેલાવવામાં આવે છે. કારણકે આ ઘરનો ખેલ છે.
રાજભોગમાં ખેલ હોળીદાંડાથી શરૂ થશે. કારણ પ્રભુ ઘરેથી નીકળીને પોળ સુધી એટલે કે ઘરની બહાર ખેલવા માટે પધારશે. એટલે આ ‘પોરી કો ખેલ’ થશે.
વસંતપંચમીના દિવસે કળશનું પૂજન થાય છે. કળશમાં આમ્રમંજરીની ડાળખી, ખજૂરીની ડાળી, સરસવનાં પીળાં ફૂલની ડાળી, યવાંકુર, બોરના ફળ, વિવિધ પ્રકારની કળીઓ અને પુષ્પો વગેરે પધરાવવામાં આવે છે. ઉપર પીળું વસ્ત્ર ઓઢાવવામાં આવે છે.
(ક્રમશઃ)
No comments:
Post a Comment