શ્રી વસંતવિહારી લાલકી જય.
વસંતવિહાર કરવા માટે આપણે અહીંથી નીકળીને વ્રજભૂમિમાં પહોંચી જઈએ. આ વ્રજની રંગલીલા છે. આ વ્રજની રસલીલા છે. આ રંગલીલા અને રસલીલા કેવળ પ્રભુને આનંદ આપવા માટે છે. ભગવાનથી આનંદ મેળવવો એ એક વસ્તુસ્થિતિ છે અને આનંદસિંધુ પ્રભુને આનંદ આપવો એ બીજી પરિસ્થિતિ છે. આમ જુઓ તો આ રસલીલા આદાન અને પ્રદાનની છે. આનંદ લેવો અને આનંદ આપવો એ બે બાબત છે. ભક્તો પ્રભુ માટે પોતાનું બધું લૂંટાવી દે છે તો પ્રભુ પોતે પણ લૂંટાઈ જાય છે. પરસ્પર સમર્પણની લીલા એટલે આ વસંતોત્સવની લીલા.
વસંતપંચમી એ મદનપંચમી છે. કામદેવના રતિના પ્રાગટ્યની પંચમી છે. નિર્ણયામૃત પુરાણસમુચ્ચય નામના ગ્રંથમાં આજ્ઞા કરી છે કે
માઘ માસે નૃપશ્રેષ્ઠ શુક્લાયાં પંચમી તિથૌ ।
રતિકામૌ તુ સંપૂજ્ય કર્તવ્યઃ સુમહોત્સવઃ ।।
મહા મહિનાની સુદ પંચમીના દિવસે રતિકામનો (બંનેનો) ઉત્સવ કરવો જોઈએ. એની ટીકામાં શ્રીપુરુષોત્તમજીએ આજ્ઞા કરીઃ અત્ર ઉત્સવા દિના ભગવદ્ તોષઉક્તેઃ ભગવદિયૈઃ સાક્ષાત્ મન્મથમન્મથઃ સલક્ષ્મીક ભગવાન્ પૂજ્યઃ ।
સાક્ષાત્ કામદેવના સ્વરૂપમાં અહીં કૃષ્ણની જ પૂજા કરવામાં આવે છે. ગોપીજનો માટે કામદેવ બીજો કોઈ નથી. કૃષ્ણ જ છે અને તે પણ ‘સલક્ષ્મીકઃ’ રાધા વગરની માધવની લીલા તો અધૂરી હોય. રાધા સહિત માધવનો ઉત્સવ એ આ વસંતોત્સવ છે. રસિકોત્સવ છે.
આ મદનમહોત્સવનો પ્રારંભ ક્યારથી થયો? શું આ પાંચમથી જ થયો? ના. શરદચાંદ્ર ઋતુ દાનએકાદશીના દિવસથી શરૂ થાય છે, એટલે મદનમહોત્સવનો પ્રારંભ દાનએકાદશીથી થાય છે. દાનએકાદશીથી પ્રારંભ થયેલો આ ઉત્સવ ઠેઠ દોલોત્સવ સુધી ચાલે છે. ત્યાં સુધી અદ્ભુત અલૌકિક આનંદની એક રસયાત્રા ચાલે છે. કન્યામાં જ્યારે સૂર્ય આવે ત્યારે સૌર શરદઋતુનો પ્રારંભ થાય છે. ચાંદ્ર શરદઋતુમાં દાનલીલા શરૂ થઈ. સૌર શરદઋતુમાં રાસલીલા શરૂ થઈ. વસંત સંપાતબિંદુ – તમે જો પંચાંગની અંદર જોશો તો રેવતી અને અશ્વિની નક્ષત્રની વચ્ચે આવે છે. આ બેની વચ્ચે જ્યારે સૂર્ય પહોંચે ત્યારે, એટલે કે મેષમાં સૂર્ય પહોંચે તે પહેલાં, મેષ સંક્રાન્તિ પહેલાં આ વસંત સંપાતબિંદુ શરૂ થાય છે.
મધુમાધવમાસો – ચૈત્ર અને વૈશાખ એ બે માસ વસંતઋતુના છે. આપણો ચૈત્ર નહિ, પણ વ્રજનો ચૈત્ર-ફાગણ વદથી વ્રજનો ચૈત્ર માસ શરૂ થાય. એમાં ચૈત્ર વદ અને પછી ચૈત્ર સુદ આવે.
ચાંદ્ર શરદઋતુમાં એક પ્રણયલીલાનો પ્રારંભ થાય છે. આ પ્રણયલીલામાં ભગવાન ધીરે ધીરે ધીરે ભક્તોના હૃદયની અંદર પોતાનો ઉદ્દીપનભાવ જણાવે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે જ્યારે પહેલો પ્રેમ શરૂ થાય ત્યારે ‘ચક્ષુપ્રીતિઃ’ આંખથી પ્રેમ શરૂ થાય. અને દાનલીલામાં તમે જોશો તો પહેલી દૃષ્ટિ શ્રીઠાકોરજીની શ્રીચંદ્રાવલીજી ઉપર પડી. ગોવર્ધનના શિખરે બિરાજ્યા હતા. ચંદ્રની આવલી એટલે હજારો ચંદ્રોની કિરણાવલીઓ જેટલું સૌંદર્ય જેના મુખારવિંદ ઉપર પથરાયું છે એનું નામ ચંદ્રાવલી.
વસંત ઋતુ હોય કે દાનલીલાની ઋતુ હોય, આ બંને લીલાઓ પરકીયા ભાવવાળી છે. સ્વામિની ભાવ વિશિષ્ટ સ્વકીયાભાવ અને સ્વામિનીભાવ વિશિષ્ટ પરકીયાભાવ – આવા બે ભાવ છે. તેમાં ભક્તો કોઈ પરકીય નથી. બધા જ ભક્તો પ્રભુની લીલામાં પોતાના છે. પરંતુ રસસ્તુ પરકીયાનામ્ એવ સિદ્ધઃ એ ભાવનાથી શ્રીચંદ્રાવલીજી પરકીયા ભાવવાળાં સ્વામિનીજી છે, અને શ્રીસ્વામિનીજી એ સ્વકીયાભાવ વિશિષ્ટ સ્વકીયા-ભાવવાળાં સ્વામિનીજી છે. આ બંને ભાવો તમે દાનલીલામાં જોશો અને વસંતલીલામાં પણ જોશો. કારણ કે દાનલીલામાં આ બંને ભાવોનું દાન કરીને અને વસંત લીલામાં પણ આ બંને ભાવોનું દાન કરીને પ્રભુ પોતે એમના દ્વારા પરમ આનંદનો અનુભવ કરે છે.
(ક્રમશઃ)
No comments:
Post a Comment