Welcome to Our Community Blog to enjoy old memories including beautiful scenes, some spiritual articles and some highlights of our mother land India.

Monday, March 4, 2013

શ્રી અષ્ટાક્ષર મંત્રનો અર્થ શો થાય?


‘શ્રીકૃષ્ણઃ શરણં મમ’ તે અષ્ટાક્ષર મંત્ર છે. તેનો અર્થ એવો છે કે શ્રીકૃષ્ણ જ મારું શરણ છે. એટલે કે હું શ્રીકૃષ્ણનું શરણ સ્વીકારું છું. શરણ શબ્દના ઘણા અર્થ છે. તેમાં ત્રણ મુખ્ય અર્થ છે. શરણ એટલે આશ્રય, ઘર અને રક્ષક. આ ત્રણે અહીં લાગુ પડે છે. શ્રીકૃષ્ણ જ મારો આશ્રય છે. એટલે કે હું જ શ્રીકૃષ્ણનો જ છું. મારું સર્વ કંઈ શ્રીકૃષ્ણ જ કરશે. મારા કોઈ નાના મોટા સ્વાર્થ માટે હું શ્રીકૃષ્ણને છોડીને બીજા કોઈ પાસે જઈશ નહિ. શ્રીકૃષ્ણ સર્વસમર્થ છે, તેથી તેઓ જ મારી રક્ષા કરશે. તેઓ મારા રક્ષક છે. તેમની રક્ષા કરવાની શક્તિમાં મને દ્રઢ વિશ્વાસ છે. જેમ ઘર માણસને રક્ષણ આપી નિર્ભય બનાવે છે અને સુખ આપે છે, તેમ શ્રીકૃષ્ણના ચરણકમળોમાં જ મારું નિવાસસ્થાન છે તેમના ચરણારવિંદની છત્રછાયામાં હું સંપૂર્ણ રીતે સુરક્ષિત અને નિર્ભય છું. મને ત્યાં કોઈપણ પ્રકારનો ડર નથી. ‘શ્રીકૃષ્ણ શરણં મમ’ મંત્રનો આવો અર્થ છે.

આ મંત્રમાં ‘શ્રીકૃષ્ણઃ’ શબ્દ વાપરવામાં આવ્યો છે. શ્રીકૃષ્ણ એટલે ગોકુલમાં નંદયશોદાના ત્યાં, યશોદાજીની કૂખે પ્રગટ થયેલા સાક્ષાત પૂર્ણપુરષોતમ ભગવાન. શ્રીકૃષ્ણ કેવળ ભગવાનનું જ વિશેષ નામ જ નથી. કૃષ્ણ શબ્દ ભગવાનના ગુણ બતાવનાર છે. ઉપનિષદમાં કૃષ્ણ શબ્દનો અર્થ આપવામાં આવ્યો છે. તે બે શબ્દોનો બનેલો છે. કૃષ + ણ. ‘કૃષ’ એટલે સર્વશક્તિમાન અને ‘ણ’ એટલે પરમાનંદ. જે સર્વથી વિશેષ શક્તિમાન છે અને પરમાનંદ – સ્વરૂપ છે તે પરમાત્મા એટલે કૃષ્ણ. તેમના જેટલા શક્તિમાન અને આનંદસભર કોઈ દેવ કે મનુષ્ય નથી એટલે પરમાત્મા શ્રીકૃષ્ણ આપણું જેટલું રક્ષણ કરી શકે અને આનંદનું દાન કરી શકે, એટલું અન્ય કોઈ કરી શકે તેમ નથી. માટે આવા સર્વોચ્ચ અને સર્વોપરી પરમાત્મા, જે ગોકુલમાં કૃષ્ણ સ્વરૂપે પ્રગટ થયા છે, તેમનું શરણ હું સ્વીકારું છું. શ્રી એટલે લક્ષ્મી અથવા સ્વામિની. લંક્ષ્મી ભગવાનના પત્ની છે. નિત્યલીલામાં શ્રી રાધિકાજી, લક્ષ્મી – સ્વરૂપા છે. આમ, શ્રીકૃષ્ણ એટલે યુગલ સ્વરૂપ. આ યુગલ સ્વરૂપ જ મારું સર્વસ્વ છે, એવો ભાવ આ મંત્રનો છે.

‘કૃષ્ણ’ શબ્દનો એક બીજો અર્થ શાસ્ત્રોએ બતાવ્યો છે. ‘કૃષ્’ એટલે ખેચવું અથવા આકર્ષવું. ‘ણ’ એટલે આનંદ. જે પોતાના લૌકિક આનંદ – રસાત્મક – સ્વરૂપથી જીવોને પોતાના તરફ આકર્ષીને પોતાનામાં જોડી રાખે છે,  તે શ્રીકૃષ્ણ. આવા શ્રીકૃષ્ણને શરણે હું છું, એવો ભાવ પણ વિચારવો જોઈએ.

દરેક મંત્રને એક બીજ મંત્ર હોય છે. જેમ બીજમાં પરોક્ષ રીતે આખું વૃક્ષ છુપાયેલું હોય છે, તેમ બીજમંત્રમાં આખો મંત્ર પરોક્ષ રીતે રહેલો હોય છે. મંત્ર સાધનામાં બીજમંત્રનું ઘણું મહત્વ હોય છે. અષ્ટાક્ષર મંત્રમાં શ્રી અક્ષર બીજમંત્ર છે. બીજમાંથી જ અલૌકિક રસાત્મક પૂર્ણ પુરૂષોત્તમ પ્રગટ થયા છે. માટે આ અષ્ટાક્ષર મંત્રના પ્રારંભમાં બીજ મંત્ર મુકવામાં આવ્યો છે.

મંત્રને જેમ બીજ મંત્ર જરૂરી છે, તેમ તેના દેવતા પણ જરૂરી છે. દેવતા એટલે મંત્રમાં બિરાજમાન પ્રભુનું અલૌકિક સ્વરૂપ, જે મંત્ર રૂપે આપણા મન – હૃદયમાં સદા રમણ કરે છે. અષ્ટાક્ષર મંત્રના દેવતા શ્રીયશોદાનંદન પૂર્ણપુરુષોત્તમ રસ સ્વરૂપ શ્રીકૃષ્ણ છે.

મંત્રનો વિનિયોગ અને મંત્રનું ફળ હોય છે. આ અષ્ટાક્ષર મંત્રનો વિનિયોગ, લૌકિક દુઃખોના નિવારણ અને લૌકિક સુખો મેળવવા માટે નથી. તેનો વિનિયોગ ભગવાનનું દ્રઢ શરણ ગ્રહણ કરવા માટે છે. તેનું ફળ ભગવાનના સંયોગ સુખનો અનુભવ છે. આ મંત્ર સિદ્ધ થતાં સાક્ષાત ભગવાનનો રસાનુભવ પ્રાપ્ત થાય છે.

શ્રીગુંસાઈજીના એક સેવકનો પ્રસંગ છે. શ્રીગુંસાઈજીએ તેમને નામમંત્ર આપ્યા બાદ આજ્ઞા કરી કે તમે શ્રીગિરીરાજજીની તળેટીમાં દંડવતી શિલા સામે બેસીને છ મહિના સુધી અષ્ટાક્ષર મંત્રનો દીનતા, શ્રદ્ધા અને નિષ્કામ ભાવથી જપ કરો. તે વૈષ્ણવ તે પ્રમાણે જપ કરતાં, તેમને સદેહે પ્રભુની અલૌકિક લીલાનાં દર્શન થવા લાગ્યા.

શ્રીગુસાંઈજી આજ્ઞા કરે છે કે, આ મંત્ર અલૌકિક સામર્થ્યવાન હોવાથી પ્રભુના સાક્ષાત અનુભવનું શ્રેષ્ઠ ફળ તો આપે જ છે, પરંતુ સાથે સાથે વગર માગે જગતનાં દુઃખ દૂર કરી આવશ્યક લૌકિક સુખ પણ આપે છે. માટે આ મંત્રને વૈષ્ણવોએ પોતાનું સર્વસ્વ માનીને પૂરી શ્રદ્ધાથી તેનો જપ કરવો જોઈએ.

શ્રીગુસાંઈજીએ આ મંત્રના આઠેય અક્ષરોનું રહસ્ય સમજાવ્યું છેઃ

‘શ્રી’ એટલે શ્રી સ્વામિનીજી. તેઓ અલૌકિક લક્ષ્મી છે. તેઓ પોતાના ભક્તોને બીજમંત્ર – જપના ફળરૂપે સાક્ષાત્ શ્રીઠાકોરજીનું દાન કરી, જીવને અવિચલ અલૌકિક સૌખ્ય આપે છે. એ જીવને વ્રજભક્તનું દિવ્ય સૌભાગ્ય મળે છે. તેના માથે શ્રીઠાકોરજી જેવા પતિ બિરાજવાથી, તે લૌકિકમાં પણ ધનવાન બને છે. સામાન્ય રીતે લૌકિક ધન આખરે તો દુઃખરૂપ હોય છે. પ્રભુ કૃપાથી મળેલી સંપત્તિ પ્રભુની સેવામાં વપરાતા દુઃખરૂપ બનતી નથી, યશ અપાવનારી બને છે. ‘શ્રી’ મંત્રાક્ષરના પ્રભાવથી        તે વ્યક્તિ રાજાને પ્રિય બને છે. સમાજમાં તેના માન – પ્રતિષ્ઠા વધે છે, છતાં તેથી તેને અભિમાન રૂપી અર્નથ થતો નથી.

‘કૃ’ અક્ષર સમસ્ત પાપોનો નાશ કરે છે. અજાણતામાં થઈ ગયેલા સર્વ અપરાધો ‘કૃ’ ના ઉચ્ચારથી નિવૃત્ત થાય છે.

‘ષ્ણઃ’ અક્ષરના પ્રભાવથી આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક એવા ત્રણે તાપ શાંત થાય છે. આધિ – વ્યાધિ – ઉપાધિમાંથી જીવ મુક્ત થાય છે. તેના મનની વ્યગ્રતા દૂર થાય છે.

‘શ’ અક્ષરના પ્રભાવથી જન્મ અને મરણમાંથી અને કર્મફળમાંથી મુક્તિ મળે છે. જગતમાં જન્મેલો જીવ કર્મ કર્યા વિના એક ક્ષણ પણ રહી શકતો નથી. કર્મના મુખ્ય ત્રણ પ્રકાર છે. ક્રિયામાણ, પ્રારબ્ધ અને સંચિત. આ જન્મમાં કરવામાં આવતા કર્મ ક્રિયામાણ કર્મ કહેવાય છે. પૂર્વજન્મના કરેલા કર્મોના ફળ રૂપે જે સારા-ખોટાં કર્મો આ જન્મમાં ભોગવવા પડે, તે પ્રારબ્ધ કર્મ કહેવાય છે. પૂર્વજન્મોનાં અને આ જન્મનાં જે કર્મો ભવિષ્યના જન્મોમાં ભોગવવા પડે, તે સંચિત કર્મો કહેવાય છે. આ સંચિત કર્મોના પરિણામે જન્મ-મરણનું ચક્કર ચાલ્યા કરે છે. અષ્ટાક્ષરમંત્રના ‘શ’ અક્ષરના પ્રભાવથી જન્મ-મરણમાંથી મુક્તિ મળે છે.

‘ર’ અક્ષરના પ્રભાવથી પ્રભુના સ્વરૂપનું સાચું જ્ઞાન થાય છે. પ્રભુના સ્વરૂપનું જ્ઞાન થવું, એ બહુ મોટી સિદ્ધિ છે. તેના જ્ઞાનને લીધે જીવ અન્ય લૌકિક કર્મોમાં ફસાતો નથી.

‘ણં’ અક્ષરથી પુષ્ટિભક્તિની પ્રાપ્તિ થાય છે. પુષ્ટિભક્તિ સાધનોથી મળતી નથી. પ્રભુકૃપાથી મળે છે. પુષ્ટિભક્તિમાં ભગવાન પ્રત્યે દ્રઢ અનન્યતા અને તેમના સુખનો ભાવ મુખ્ય છે. પુષ્ટિભક્તિનું ફળ સાક્ષાત્ ભગવદ્પ્રાપ્તિ છે.

‘મ’ અક્ષરના પ્રભાવથી ગુરુદેવમાં પ્રીતિ થાય છે. ગુરુકૃપાથી ભગવાનનું જ્ઞાન અને ભગવાન બંને પ્રાપ્ત થાય છે.

‘મ’ અક્ષરના પ્રભાવથી પુષ્ટિભક્તિનું અલૌકિક ફળ પ્રાપ્ત થાય છે. પુષ્ટિભક્તિના ત્રણ ફળ છે. મુખ્ય ફળ અલૌકિક સામર્થ્ય છે. મધ્યમ ફળ સાયુજ્ય મોક્ષ છે. કનિષ્ઠ ફળ સેવાપયોગી દેહ છે. અધિકાર પ્રમાણે આ ત્રણ પૈકી એક ફળ પ્રાપ્ત થાય છે.

આ મંત્રનું મહત્વ સમજાવતાં શ્રીગુસાંઈજી આજ્ઞા કરે છે કે, જે જીવ શ્રદ્ધાથી અને ભક્તિથી આ મંત્રનો જપ કરે છે, તેને જગતમાં વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. લૌકિક અને અલૌકિક અષ્ટસિદ્ધ અને નવનિધિ પ્રાપ્ત થાય છે. શ્રીપૂર્ણપુરુષોત્તમની પુષ્ટિભક્તિ પ્રાપ્ત થતાં અલૌકિક પરમાનંદનો અનુભવ થાય છે. આ સિદ્ધિદાયક મંત્રના પ્રભાવથી ભૂત, પ્રેત, પિશાચ આદિનો ભય રદેતો નથી. કોઈ સંકટ આવતું નથી. આવેલા સંકટ દૂર થાય છે. શત્રુ મિત્ર બની જાય છે. મેલી વિદ્યાનો પ્રભાવ થતો નથી. ગ્રહપીડા નાશ પામે છે, હૃદયની મલિનતાઓ દૂર થાય છે. સમસ્ત સંકટો દૂર થાય છે. શ્રીઠાકોરજી સદા તેના હૃદયમાં બિરાજે છે.

 Read more…
“વસંતોત્સવ – જગ હોરી, વ્રજ હોરા” (ભાગ-૧)
admin
Feb 17, 8:07 AM
પુષ્ટિમાર્ગીય ઉત્સવપરંપરામાં વસંતોત્સવનું આગવું મહત્વ છે. વસંતને ઋતુરાજ કહ્યો છે. વસંત ઋતુના માસ તો છે ફાગણ અને ચૈત્ર, પરંતુ આપણે ત્યાં વસંતોત્સવ શરૂ થાય વસંતપંચમીથી. કારણ શાસ્ત્રોમાં કહ્યું છે કે દરેક ઋતુનું ગર્ભાધાન ૪૦ દિવસ પહેલાંથી થાય. પરિણામે પુષ્ટિમાર્ગમાં ૪૦ દિવસ પહેલાંથી વસંતોત્સવની ઉજવણી શરૂ થાય. વ્રજભક્તો સાથે પ્રભુ ૪૦ દિવસ હોરી ખેલે. ભગવદીયો હોરીખેલની એ રસલીલાનાં દર્શન કરી તેનો સુખાનુભવ કરે, એ લીલાનું ગાન કરે અને એ કીર્તનો દ્વારા આપણા જેવા જીવોને પણ એ દર્શન કરાવે.

શીતકાલને વિદાય આપવાનો અને નવા શણગાર સજતી પ્રકૃતિને આવકારવાનો આ ઉત્સવ છે. કામદેવનો જન્મદિવસ એટલે વસંતપંચમી. પરિણામે આ ઉત્સવને મદન મહોત્સવ પણ કહેવાય. પ્રિયા-પ્રિયતમને રસભર્યા વ્રજભક્તો હોરી ખેલાવે. ૪૦ દિવસ સુધી અબીલ, ગુલાલ, ચોવા, ચંદન, કેસર રંગથી રંગી દે. હોરીની વિવિધ રસભરી ગારી (ગાળો) પણ ગાય! વિવિધ વાદ્યોના તાલ સાથે રંગભર્યા ગોપગોપી ઝૂમે. પ્રિયા-પ્રિયતમ પરસ્પર પણ હોરી ખેલે. વળી કોઈવાર ગોપીજનો શ્રીઠાકોરજીને પોતાના ઝૂંડમાં લઈ જઈ સખીવેશ પણ પહેરાવી દે. ફગુવા લઈને જ છોડે.

આવી રસમય લીલાઓનું આપણા અષ્ટછાપ અને બીજા ભગવદીયોએ પણ કીર્તનોમાં સુંદર વર્ણન કર્યું છે. એ કીર્તનોના ગાન અને તેનો રસાસ્વાદ કરાવવાનો એક કાર્યક્રમ – “વસંતોત્સવ – જગ હોરી, વ્રજ હોરા” નામે મુંબઈમાં પ્રેમપુરી અધ્યાત્મ કેન્દ્રમાં યોજાયો હતો. પૂ. પા. ગો. ૧૦૮ શ્રી ઈન્દિરા બેટીજી મહોદયાએ પોતાની મધુર લાક્ષણિક, શૈલીમાં વ્રજની એ હોરીલીલાનો કીર્તનો દ્વારા સુંદર રસાસ્વાદ કરાવેલો. અત્રે પ્રસ્તુત છે એ વચનામૃતનું સંકલિત રૂપાંતર.

No comments:

Post a Comment