“વસંતોત્સવ – જગ હોરી, વ્રજ હોરા” (ભાગ-૩)
આનંદ સિંધુ બઢ્યો હરિ તનમેં ।
શ્રીશ્યામા પૂરણ શશિમુખ નિરખત, ઉમગ ચલ્યો વ્રજવૃંદાવનમેં ।।૧।।
ઈત રોક્યો જમુના ઉત ગોપી, કછુક ફૈલ પડ્યો ત્રિભુવનમેં ।
ના પરસ્યો કર્મિષ્ઠ અરુ જ્ઞાની, અટક રહ્યો રસિકન કે મનમેં ।।૨।।
મંદમંદ અવગાહત બુદ્ધિબલ, ભક્ત હેત નિત પ્રત છિનછિનમેં ।
કછુક નંદસુવનકી કૃપા તેં સો દેખિયત પરમાનંદ જનમેં ।।૩।।
સમગ્ર વસંતલીલામાં જો આપ જોશો તો ‘આનંદસિંધુ બઢ્યો હરિ તનમેં’ શ્રીકૃષ્ણના રોમરોમમાં આનંદરસ છલકાઈ રહ્યો છે, પરમાનંદ રસ છલકાઈ રહ્યો છે એવું લાગશે. આનંદ અને પરમાનંદ છલકાય છે ત્યારે એક ઉન્માદની દશા આવે છે અને એ ઉન્માદ એવો હોય છે કે આ આનંદ હું કોને આપું? આ આનંદ હું કોને આપું? એટલે એ રસ સમર્પિત થાય છે. વસંતલીલામાં એ પરમાનંદ પ્રભુ ભક્તોને સમર્પિત થઈ જાય છે. ઉન્માદ એ રસનો નશો પ્રભુ ભક્તને સમર્પિત કરી દે છે. એમાંથી વિપરિત રતિનો પ્રારંભ થાય છે. ભગવાન ભક્તાધીન બને છે.
સોશ્રૃતે સર્વાન્ કામાન્ સ બ્રહ્મણા વિપશ્ચિતાઃ – અને એ પ્રેમ જગાડવા માટે આ જે પરસ્પર સમર્પણનો ભાવ છે, એ સમર્પણનો ભાવ પરકીયા ભાવની અંદર જે પ્રગટ થયો, એ તમને મળશે દાનલીલાની અંદર.
તુમ નંદમહરકે લાલ જસુમતિ પ્રાણ આધાર, મોહન જાન દે.
ગોવર્ધનકી શિખરતેં મોહન દીની ટેર
અંતરંગસોં કહત હૈ સબ ગ્વાનિ રાખો ઘેર, નાગરી દાન દે.
બહોત દિન તુમ બચ ગઈ હો દાન હમારો માર
આજ હોં લઈ હોં અપનો દિન દિનકો દાન સંભાર, નાગરી દાન દે.
યહ મારગ હમ નિત ગઈ હો કબહૂ સૂન્યો નહીં કાન
આજ નઈ હોત હૈ સો માગત ગોરસ દાન, મોહન જાન દે.
આ બધી શ્રુતિરૂપા ગોપીજનો, જે પરકીયા ભાવવાળી છે, એ કહે છેઃ લાલા, અમે તમને જાણીએ છીએ. તુમ નંદ મહરકે લાલ ઔર જસુમતિ પ્રાણ આધાર. આમ બે અલગ અલગ કેમ કહ્યા? કારણકે તમે એકલા નંદબાવાના લાલ નથી. નંદસુનુ વિશિષ્ટ યશોદાસુનુ તમે નથી. એટલે નંદરાયજીમાંથી તમે યશોદાજીમાં પધાર્યા, જેમ કોઈ પિતા બીજાધાન કરે અને પછી બાળકનો જન્મ માતામાંથી થાય એમ આપ પધાર્યા નથી. આપ નંદજીના લાલ પણ છો અને યશોદાજીના લાલ પણ છો. બંને અલગ અલગ છો. આ વાત ગોપીગીતની અંદર શ્રીમહાપ્રભુજીએ પ્રગટ કરી છે.
ન ખલુ ગોપીકાનંદનો ભવાન્ અખિલ દેહીનામ અંતરાત્મ ધૃક્ – આપ યશોદાના લાલ પણ છો ને નંદબાવાના લાલ પણ છો. આપ અમારા ભાવમાંથી પ્રગટ થયા છો. આપ અમારા ભાવભાવાત્મક સ્વરૂપ છો.
આવા પ્રભુ આજે શ્રીચંદ્રાવલીજીને ઉપરથી બોલાવી રહ્યા છે. ગોવર્ધનકી શિખરતેં મોહન દીની ટેર. રાખો ઈનકો ઘેર નાગરી દાન દે. અરે, આખી દુનિયા જેની પાસે માગવા જાય એ કૃષ્ણ કનૈયો અહીં ભક્તો પાસે માગે છેઃ નાગરી દાન દે. આ ગોપીઓ કહે છેઃ મહારાજ, યહ મારગ હમ નિત ગઈ. અમે તો શ્રુતિઓ છીએ. સાધનાના માર્ગે અમે બહુ ગયાં. કેટલાંયે ફળ અને અને રસની વાત અમે કરી. કહું સૂન્યો નહિ કાન. પણ આજે તમે જે રસાત્મક લીલાની વાત કરો છો એ અમે શ્રુતિઓમાં ક્યાંય નથી સાંભળી. નેતિ નેતિ નેતિ.
આજ નઈ યહ હોત હૈ સો માગત ગોરસ દાન. આપ અમારી પાસેથી અમારી ગો એટલે ઈન્દ્રિયોના રસનું દાન માગો છો? પ્રિયજનો, અહીં કૃષ્ણ કામ બન્યા છે. કામ બનીને સમગ્ર ભક્તોને સમ્યકતયા ભોગ આપવાની ભાવના કરે છે. જેમાં બધીજ ઈન્દ્રિયોનો રસ હોય. મન સહિત સમગ્ર ઈન્દ્રિયોનો રસ, તે પણ લૌકિક નહિ, અલૌકિક રસ, સમગ્ર જીવનનું જાણે પરિવર્તન થયું હોય.
અત્યારે તો આપણને લૌકિક ભોગ વર્તન કરાવે છે પરંતુ અહીં તો સમગ્ર પરિવર્તન થઈ ગયું છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ બધા ‘વેસ્ટ’ છે. જ્ઞાનીઓ કહે છેઃ એને કાઢો, એને કાઢો. એને મારો, એને મારો. અને ભક્તિમાર્ગમાં તો કહે છે ‘વેસ્ટને પણ બેસ્ટ બનાવો.’ આ બધાને ફેંકી દેવાને બદલે ઠાકોરજી સાથે જોડી દો. એને દબાવો એટલે સપ્રેશન. તમે સ્પ્રીંગને દબાવો તો શું થાય? દબે તો ખરી પણ પાછી એવી ઉછળે, એવી ઉછળે કે તમને ફેંકી દે. એટલે સપ્રેશન નહિ પરંતુ સબ્લીમેશનનો માર્ગ અપનાવો. એના ઉર્ધ્વીકરણનો, નવીનીકરણનો માર્ગ અપનાવો. એનું સ્વરૂપ જ બદલી નાખો. આ દુનિયામાં કોઈપણ વસ્તુ એવી નથી કે જેનો કૃષ્ણ અંગીકાર કરતા નથી. સમસ્ત વસ્તુઓનો અંગીકાર કૃષ્ણ કરે છે અને જેમ ગંગાજીમાં મળેલું જળ ગંગારૂપ બની જાય છે એમ કૃષ્ણ સાથે મળેલી તમામ વૃત્તિઓ કૃષ્ણરૂપ બની જાય છે. કૃષ્ણરૂપ બનેલી એ વૃત્તિઓ પછી સંસારને ઉત્પન્ન કરતી નથી.
ભગવાને પોતે જ વેણુગીતના અંતમાં ગોપીજનોને કહ્યું છે કે જેમ બીજ શેકી નાખવામાં આવે તો એમાંથી કોઈ અંકુર ફૂટતો નથી, એવી રીતે એકવાર જેને મારી, મારા પ્રેમની લગની લાગી ગઈ છે તેમનામાં પછી કોઈ દિવસ લૌકિક અંકૂરો ફૂટતા નથી. આ એક અદ્ભુત નવીન માર્ગ છે. અલૌકિક માર્ગ છે. જે શ્રીમહાપ્રભુજીએ આપણને આપ્યો છે. જરાપણ આ લીલામાં લૌકિક બુદ્ધિ આવે તો આ રસ મળે નહિ. આ લીલામાં અલૌકિક ભાવ રાખીશું તો જ એનો રસ મળવાનો છે. ગોપીજનોના સ્વરૂપો પણ કેવળ હાડ, ચામ, માંસનું પિંજર રહ્યું નથી. પ્રભુએ એમને વેણુનાદ કરી, સર્વાભોગ્યા સુધાનું પાન કરાવી, એમના રોમ રોમમાં આનંદ સ્વરૂપને નિમગ્ન કરી દીધું છે. હવે પ્રભુ એમની પાસે ગોરસનું દાન માગે છે.
(ક્રમશઃ)
No comments:
Post a Comment