જેમ પહેલી દસ દિવસની સેવા શ્રીયમુનાજીની હતી, બીજી દસ દિવસની સેવા શ્રીચંદ્રાવલીજીની હતી, તેમ આ ત્રીજા દસ દિવસની સેવા શ્રીલલિતાજીની છે. આમાં પણ ધમાલ તો ચાલુ જ હોય છે. ધમાર તો ગવાયા જ કરે છે. અમારે ત્યાં સુરતમાં શ્રીનાથજીના પાટોત્સવ પછી હોળીખેલનો પ્રકાર બદલાઈ જાય છે. પીછવાઈઓ ગુલાલથી છાપેલી સુંદર અને કલાત્મક આવે છે.
ઠાકોરજીનાં વસ્ત્રો ઉપર પણ અબીલગુલાલથી ડિઝાઈનો પાડવામાં આવે છે. ગાદીના જે પટ્ટા ખેલાવીને સુંદર રીતે રંગાતા હતા ત્યાં પણ કંકુ દ્વારા સુંદર છાપ છપાય છે. એકબાજુ શ્રીરાધાજીની ટોળી અને બીજી બાજુ શ્યામસુંદરની ટોળી, એકબાજુ સખીઓનું ઝુંડ આવે, આ બાજુથી સખાઓનું ઝુંડ આવે.
નંદરાયજીના ઘરમાંથી વધાઈઓ વધાવતા વધાવતાં અને પેલી બાજુ વૃષભાનજીના ઘરમાંથી ગાતાં ગાતાં પધારે. તાલ મૃદંગ બાંસુરી વાગે. એકબીજા ઉપર પીચકારીઓ છૂટે.
એક પદમાં તો બહુ સુંદર વાત આવી.
વ્રજમેં હરિ હોરી મચાઈ. કૃષ્ણકનૈયા અને રાધાજીએ વ્રજમાં હોરીની ધમાલ મચાવી દીધી.
ઈતતેં આઈ સુઘર રાધિકા, ઉતતેં કુંવર કન્હાઈ
હિલમિલ ફાગ પરસ્પર ખેલે, શોભા બરની ન જાઈ
નંદઘર બજત બધાઈ.. વ્રજમેં૦
બાજત તાલ મૃદંગ બાંસુરી બીના ડફ સહનાઈ
ઊડત અબીર ગુલાલ કુમકુમા રહ્યો સકલ વ્રજ છાઈ.
માનોં મઘવા ઝર લાઈ… વ્રજમેં૦
કોઈ વીણા વગાડે છે. કોઈ ડફ વગાડે છે. આ દિવસોમાં કુમકુમા ઊડે છે. એ લાખના બને છે અને એમાં ગુલાલ ભરવામાં આવે છે. પછી એ તાકીને મારવામાં આવે છે. હવે તો આ કુમકુમા બહુ જોવા મળતા નથી. પણ જ્યારે બનતા ત્યારે એ કુમકુમા જેની ઉપર પડે તે રંગાઈ જતા.
લેલે રંગ કનક પીચકાઈ સન્મુખ સબે ચલાઈ
છિરકત રંગ અંગ સબ ભીંજે ઝુકઝુક ચાચર ગાઈ,
પરસ્પર લોગ લુગાઈ…. વ્રજમેં૦
એકબીજાના ઉપર પીચકારીથી રંગ છાંટે છે. અહીં ભક્તોનો રંગ ભગવાન ઉપર અને ભગવાનનો રંગ ભક્તો ઉપર લાગે છે. આ રંગ કાંઈ સામાન્ય રંગ ન હતો. આતો પ્રેમનો રંગ હતો. આનંદનો રંગ હતો. ઉમંગનો રંગ હતો. એકબીજાના હૃદયનો રંગ છંટાઈ રહ્યો છે.
ચાચરના ખેલ થાય છે અને કેટકેટલા આનંદ થાય છે.
રાધાને સેન દઈ સખીયનકો ઝુંડ ઝુંડન ઘીર આઈ.
રાધાજીએ ઈશારો કરી સખીઓને પાસે બોલાવી. બધી ભેગી મળીને આવી ગઈ. રાધાજીએ કહ્યું – ‘વાકો પકડકે લાવો.’
લપટ ઝપટ ગઈ શ્યામસુંદરસોં પરવશ પકર લે આઈ
લાલજુકો નાચ નચાઈ વ્રજમેં૦
શ્રીકૃષ્ણને પકડીને રાધાજી પાસે લઈ આવ્યાં. આખી દુનિયાને નચાવવાળો જે કૃષ્ણ, એને આ ગોપીજનો નચાવે છે.
છીન લઈ હૈ મુરલી પીતાંબર સિરતેં ચુનરી ઊઢાઈ
મુરલી લઈ લીધી, પીતાંબર લઈ લીધું, માથા ઉપર ઓઢણી ઓઢાડી દીધી.
બેની ભાલ નયન બીચ કાજર નકવેસર પહેરાઈ
માનો નઈ નાર બનાઈ વ્રજમેં૦
આંખમાં કાજળ આંજ્યું. વાંકડિયા વાંકડિયા કેશમાં વેણી ગૂંથી. નાકમાં નકવેસર ધરાવ્યું. માનો નઈ નાર બનાઈ. સુંદર સ્ત્રીવેશ ધારણ કરાવ્યો.
મુસકત હૈ મુખ મોડ મોડકે કહાં ગઈ ચતુરાઈ
અરે લાલા, તેરી ચતુરાઈ કહાં ગઈ? અબ તો બોલ, તુ લુગાઈ ભયો હૈ.
કહાં ગયે તેરે તાત નંદજી કહાં યશોદા માઈ.
કનૈયા બોલ, તું કહેતો હૈ મેંતો વ્રજકો રાજા હૂં, બતા દે અબ તેરી ઠકુરાઈ. તુમ્હેં અબ લે ન છુડાઈ. બોલ તારા બાબાને અહીં બોલાવ તો ખરો. એને ય નચાવી દઈએ અને એનેય લુગાઈના કપડાં પહેરાવી દઈએ.
ફગવા દિયે બિન જાન ન પાવો કોટિક કરો ઉપાઈ
હવે તો અમારા ફગવા નહિ આપો તો કોટિ ઉપાય કરશો તોયે નહિ જવા દઈએ.
લેહું કાઢ કસર સબ દિનકી તુમ ચિત્તચોર ચબાઈ.
બહુત દધિ માખન ખાઈ વ્રજમેં૦
અમારા ચિત્તના ચોર, હવે અમે આખા વરસની કસર કાઢી લઈશું. તમારું બધું વેર વાળી દઈશું,
બહુત દધિમાખન ખાઈ અમારા બહુ દહીંમાખણ ખાઈ ખાઈને તગડા થયા છો તો હવે તમને નચાવશું.
રાસવિલાસ કરત વૃંદાવન જહાં તહાં યદુરાઈ
રાધાશ્યામા કી યુગલ જોરી પર સૂરદાસ બલ જાઈ
પ્રીત ઉર રહી સમાઈ. વ્રજમેં હરિ હોરી મચાઈ.
આ ધમારમાં એક શબ્દ આવે છે ‘ચાચર’.
હોળીના દિવસોમાં ચાચર ખેલ બહુ થાય છે. ચાચર એ તાલનું નામ છે. જેમ ધમાર એ તાલનું નામ છે તેમ ચાચર એ તાલનું નામ છે અને લીલાનું નામ પણ છે. જેમ આપણે રાસની અંદર દાંડિયા લઈએ છીએ એમ ચાચર ખેલમાં મોટા મોટા વાંસડા લે છે. મોટા મોટા વાંસડા સાથે આ બાજુ શ્રીસ્વામિનીજીની ટોળી અને આ બાજુ શ્રીઠાકોરજીની ટોળી આવે છે. જેવી રીતે દાંડિયાથી રાસ રમવામાં આવે તેમ આ વાંસડાંથી એકબીજા સાથે રમે છે. કેટલાક લોકો આ વાંસડા રમે છે કેટલાક પીચકારી ઊડાવે છે. કેટલાક ગુલાલ ઉડાવે છે. આ રીતે રાધા અને ગિરિધર બંને ખિલવાર (ખેલનારા) બનીને ચાચર ખેલ ખેલે છે. ચાચરખેલ ખેલતાં ખેલતાં ગોપીકાઓ કૃષ્ણને ઘેરી વળે છે. એકબાજુ ઘેરી લે છે અને બાજુ એને દ્વે બાપનકો, તું બે બાપનો છે. તારા બાપનાયે ઠેકાણાં નહિ જેવી ગારી (મીઠીગાળો) સંભળાવે છે. આજે પણ ધમારની એટલી બધી ગાળો શ્રીનાથજીને લોકો દે છે મોઢામોઢ દે છે કે એ આપણાથી સંભળાય પણ નહિ. આ દિવસોમાં પ્રભુને ગાળો આપવાની છૂટ છે. મને લાગે છે કે એ બહાને મનમાં જે રહ્યું હોય તે બધું નીકળી જાય!
ખેલે ચાચર નરનારી માઈ હોરી રંગ સુહાવનો ।
બાજત તાલ મૃદંગ મુરજ
ડફ બીના ઔર સહનાઈ માઈ ।।
હોરીખેલમાં મૃદંગ, ડફ, ચંગ, ઉપંગ વગેરે ઘણા વાજિંત્રો વાગે છે. કેટલાક વાજિંત્રો આજે જાણીતા છે. કેટલાકની આપણને ખબર પણ નથી. લઈ ગુલાલ મારત પીચકારી. એક બાજુ ગુલાલનો માર મારે છે. બીજી બાજુ પીચકારીઓનો માર મારે છે. એક ગોપી તો કનૈયાને ઉંચકીને લઈ આવી છે.
એક ગોપીએ હાથમાંથી મુરલી ખેંચી લીધી. એકે બધા હાર ઉતારી લીધા. એકે મોઢા ઉપર રંગોથી સુંદર ચિતરામણ કર્યું. નેત્રોમાં કાજળ આંજ્યું. એક હસત દે તારી. એક ગોપી તાળીઓ પાડીને હસી રહી છે. એક આલિંગન દેત રહી એક જો વદન નિહારી. એક ગોપીએ કૃષ્ણને આલિંગન આપ્યું છે. એક વારંવાર તેમનું મુખારવિંદ નિહાળી રહી છે. એક અધરરસ પાન કરતી. એક સર્વસ્વ ડારત વારી. એક અધરરસનું પાન કરે છે એક પોતાનું સર્વસ્વ શ્રીઠાકોરજી ઉપર ઓવારી રહી છે. આ વ્રજયુવતીઓનાં ધન્યભાગ્ય છે કારણ કે તેમને આ રીતે શ્રીવિઠ્ઠલ ગિરિધારીલાલ સાથે રસભર્યો વિલાસ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.
આવા આવા અનેક ખેલ થાય છે. હોળીના દિવસમાં સ્વાંગ પણ ઘણા રચવામાં આવે છે. નવા નવા વેશ ધારણ કરી વ્રજવાસીઓ ઠાકોરજીને રીઝવે છે.
ભેરી બાજે ભરૂવા નાચે, આગે ગધૈયા દોરે જુ ।
એવા એવા ખેલ કરે છે ઠાકોરજી. ગધેડાના પૂછ આમળે એટલે ગધેડા દોડે.
તા પાછે સબ ગોપકે લરિકા હો હો હોરી બોલેજુ ।।
હોરી હૈ… હોરી હૈ… હોરી આઈ હૈ એવી બૂમો પાડતા ગોપબાળકો પાછળ દોડે છે.
કમર હિલાવે બાંહ મરોરે અધરનકો રસ લેવેજુ ।
નૈન નચાવે બગલ બજાવે મુખપેં ગુલચા દેવેજુ ।।
ગોપબાલો જાતજાતના ખેલ કરે છે. કમર હલાવે છે. હાથ મરોડે છે. આંખો નચાવે છે. બગલ બજાવીને અવાજ કરે છે. એકબીજાના મુખ ઉપર ગુલચા દે છે.
ભરુવાજીકો મુંડ મુંડાયો નિર્લજ હોકે સબ ખોલેજુ ।
રામદાસ પ્રભુ યા હોરીમેં ઢોલ ઢોલકી બોલેજુ ।।
ભેરી બાજે ને ભરુવા નાચે. આગે ગધૈયા દોરે જુ.
ભરુવાજી એક નિર્લજ્જ માણસ છે. કપડાંયે કાઢી નાખે ને નાચે પણ ખરો. એવો એ અહીં નાચી રહ્યો છે.
આવી આવી તો કેટલીયે લીલાઓ વ્રજની અંદર ચાલે છે. જેમ જેમ દિવસો જાય છે તેમ તેમ હઁસી-ખેલ-મજાક-આનંદ આ બધું ખૂબ વધે છે.
કોઈ દિવસ વૃષભાનજીને ત્યાંથી કોઈ બ્રાહ્મણ બિચારો નંદભવનમાં આવ્યો હોય કે નંદભવનમાંથી કોઈ બ્રાહ્મણ વૃષભાનજી ત્યાં ગયો હોય તો બિચારાની જોવા જેવી થાય. એની જોવા જેવી ફિલમ ઉતરે. જેવો એ આવે એવા જ બધા એને ઘેરી વળે. બધી ગોપીઓ એને ઘેરી વળે ને કૃષ્ણને જેમ ગોપીઓ શૃંગાર પહેરાવે એમ આ બિચારા પાંડેજીને પણ ગોપીનો શૃંગાર પહેરાવીને નચાવે.
આવી રીતે વ્રજમાં ભૂતળની હોરી ખેલાય છે. આ હોરીખેલનું હરિવલ્લભજીએ એક નાનકડું પણ સુંદર કીર્તન લખ્યું છે. ઠાકોરજી ચોવા, ચંદન, અબીલ, ગુલાલ પીચકારીઓ ઊડાવીને ખેલ તો ખેલે છે પરંતુ આંખોથી આંખોના ખેલ પણ ખેલે છે.
નયના નયનસોં ખેલે હોરી ।
સામસામે એખબીજાના નેત્રો મળે, ત્યારે નેત્રોની અંદર પણ હોળી ખેલાય છે. કારણ કે નેત્રોની અંદર પણ અનુરાગનો લાલ રંગ છે. કમળ જેવાં મોટાં સુંદર નેત્રો હોય. એમાં અનુરાગ (પ્રેમ) ભરેલો હોય.
લાલ લાડિલી ગુલાલ ઉડાવતિ પલકનકી કરી ઝોરી ।
ઉઘરત મૂંદત મુઠી ચલાવતિ કર કર બૈનન ચોરી ।।
ઘડીકમાં નેત્રો મૂંદે (મીંચે) ઘડીકમાં ખોલે, પાંપણોની ઝોળી બનાની તેનાથી જાણે ગુલાલ ઊડાડે છે.
હરિવલ્લભ પ્રભુ ખેલે હોરી આનંદ સિંધુ ઝકોરી ।।
આમ ઘણીવાર નેત્રોની હોળી પણ ખેલાય છે.
એકવાર વર્ષાઋતુમાં કારણકે આ હોળીખેલની રસલીલા વર્ષાઋતુમાં શરૂ થઈ છે શ્રાવણીએ જે હોળી જોઈ છે તેની વાત કરે છે.
વર્ષાઋતુમાં મેઘધનુષ્ય હતું. સુંદર રંગો હતા ત્યારે શ્રાવણીએ કલ્પના કરી.
અંબરકે આંગનકી દેખો આજ રંગીલી હોરી ।
અરે ભાઈ, દેખો દેખો. આજ આકાશમેં કૈસી હોરી ખેલી જા રહી હૈ!
પ્રાચીકે રાજાને આકર ઈન્દ્રધનુ પીચકારી ખોલી ।।
પ્રાચીનો રાજા એટલે સૂર્ય. એ પીળાં પીળાં અને લાલ લાલ રંગો લાવે છે.
રંગકેલી કરતે અપને રંગસે ભર દી ઝોલી.
એ રંગોથી એણે વાદળોને ભરી દીધાં છે. તેથી વાદળો આપણને ઘણી વાર કાળાં પણ લાગે છે અને ઘણીવાર લાલ પણ લાગે છે.
બાદલને તબ સોર મચાયા, બીજલીકી જબ આયી ડોલી. ડફ વાગ્યા. વર્ષાઋતુમાં વાદળ ડફ બજાવે. વીજળી મહારાણીની જ્યારે પધરામણી થઈ ત્યારે વાદળોએ ડફ બજાવ્યા. મલયાનિલને કેસર જલસે ઉસકી પીલી કર દી ચોલી. મલયાનીલે આવીને એ વીજળીને એકદમ પીળી પીળી બનાવી દીધી. હરિયાલીકે અવગુંઠનસે એટલે હરિયાળીની સાડી પહેરીને બેઠેલી અવની ફિર ધીરે સે બોલી, વસંતકે ઉત્સવપે આના મેરે આંગનમેં તુ હોલી.
હે હોલી, તું આકાશની અંદર આવી સુંદર લાગે છે. નીચે ક્યારે ઉતરી આવશે? તો એ આકાશની હોળી તો રમાતી હતી વર્ષાઋતુમાં કે જે ઋતુમાં ઠાકોરજી દાનલીલા કરતા હતા. એ હોળી વસંતઋતુમાં નીચે ઉતરી આવી. મેઘધનુષ્યના બધા જ સાતે રંગો નીચે ઉતરી આવ્યા. અને આ કેસરના રંગોની સાથે અમારે ત્યાં અગિયારસથી બધા જ રંગો પણ ઊડે છે. એટલે મને એમ લાગે છે કે મેઘધનુષ્યના રંગો જ આખા વસંત ઉત્સવમાં છવાઈ જાય છે.
આંખોની હોળી, અંબરની હોળી અને આ ભૂતળની હોળી એવો હોળીનો અદ્ભુત આનંદ લેતાં લેતાં ચોથો તબક્કો આવ્યો.