શ્રી દામોદરદાસ હરસાનીજી
પુષ્ટિ સૃષ્ટિ અગ્રેશ શ્રી દામોદરદાસ હરસાનીજીનો આજે પ્રાગટ્ય દિવસ છે. જેમને શ્રીવલ્લભે સૌ પ્રથમ બ્રહ્મસંબંધનું દાન કર્યું, જેમના હૃદયમાં શ્રીવલ્લભે પુષ્ટિમાર્ગનો સકળ સિદ્ધાંત સ્થાપિત કર્યો તેવા શ્રી દામોદરદાસને શ્રીવલ્લભ આજ્ઞા કરતાઃ “દમલા, યહ માર્ગ તેરે લેયે પ્રકટ કિયો હૈ.” અને દામોદરદાસજી માટે પ્રકટ થયેલા આ કૃપામાર્ગમાં તેમના દ્વારા અનેક જીવોનો અંગીકાર થયો.
આ ભગવદ્ શિરોમણીનું ચરિત્ર દિવ્ય છે. અદ્ભુત અને અલૌકિક છે. એમના સ્મરણથી કૃતાર્થ થવાનો આજે અવસર છે.
શ્રી દામોદરદાસજીનો જન્મ સં. ૧૫૩૧માં મહાસુદ ચોથના દિવસે થયો હતો. શ્રીમહાપ્રભુજીના પ્રાકટ્ય સમયે તેમની ઉંમર લગભગ પાંચ વર્ષની હતી અને પોતાના પિતાજી થીરદાસની સાથે તે સમયે તેઓ ચંપારણ્ય ગયેલા પણ ખરા. શ્રીવલ્લભના પ્રાકટ્યનો અલૌકિક મહોત્સવ ઉજવાયો હતો તેનાં દર્શન તેમણે કરેલાં.
બાળપણથી તેઓ સંસારથી અલિપ્ત હતા. હસતા – રમતા નહિ. ભોજનની પણ પરવા ન કરતા. આખો દિવસ ઝરૂખામાં બેસી પોતાના પ્રાણપ્રેષ્ઠ વલ્લભની પ્રતીક્ષા કરતા અને એક દિવસ શ્રીવલ્લભનાં વર્ધાના રાજમાર્ગ ઉપરથી પધારતાં દર્શન થયાં કે તરત શ્રીવલ્લભ પાસે જઈ દંડવત્ પ્રણામ કર્યાં. શ્રીવલ્લભે પૂછ્યુઃ “દમલા, તું આવ્યો?” સાંભળતાં જ દામોદરદાસજી શ્રીવલ્લભની સાથે ચાલી નીકળ્યા.
પછી તો સમગ્ર જીવનપર્યંત શ્રીવલ્લભ અને શ્રીવિઠ્ઠલની સેવામાં જ રહ્યા. શ્રીવલ્લભે શ્રીઠાકોરજીની બ્રહ્મસંબંધની આજ્ઞા સિદ્ધાંતરહસ્ય ગ્રંથ રચી તેમને સમજાવી. એ દ્વારા પ્રભુની આજ્ઞાનું રહસ્ય તેમના હૃદયમાં સ્પષ્ટ કર્યું.
શ્રીવલ્લભ જ્યારે જ્યારે સમય મળે ત્યારે દામોદરદાસની સાથે ભગવદ્લીલાનું ચિંતન કરતા. ભગવદ્વાર્તામાં તલ્લીન બની જતા. અવારનવાર આજ્ઞા કરતા – દમલા, ભગવદ્વાર્તા કર્યે ઘણો સમય થઈ ગયો છે અને શ્રીઠાકોરજીના વિપ્રયોગમાં શ્રીવલ્લભ લીન થઈ જતા.
દામોદરદાસજી ગોવિંદ કરતાં ગુરુની શ્રેષ્ઠતા માનતા. શ્રીનાથજીબાવાએ તે માટે તેમની કસોટી પણ કરેલી અને કસોટીમાં તેઓ સંપૂર્ણપણે પાર ઉતરેલા.
શ્રીમહાપ્રભજીએ આસુરવ્યામોહ લીલા કરી ત્યારે શ્રીગુસાંઈજી યુવાન હતા. તેમનાં માતૃચરણોએ આજ્ઞા કરેલી કે પુષ્ટિમાર્ગ વિશે આપને જે કંઈ જાણવું હોય તે દામોદરદાસને પૂછજો, કારણ તમારા પિતૃચરણે તેમના હૃદયમાં પુષ્ટિમાર્ગ દૃઢ રીતે સ્થાપન કર્યો છે.
શ્રીમહાપ્રભુજી આસુરવ્યામોહ લીલા પછી દર ત્રીજા દિવસે દામોદરદાસને પોતાના અલૌકિક સ્વરૂપે દર્શન આપતા. આપશ્રીએ આજ્ઞા કરેલી કે દમલા, તું શ્રીગુસાંઈજીને મારું જ સ્વરૂપ જાણજે. તેમને દંડવત્ કરજે અને તેમનું ચરણોદક લેજે.
દામોદરદાસજી જરૂર પડ્યે શ્રીગુસાંઈજીને પણ શિખામણ આપતા વિનંતી કરતા અને શ્રીગુસાંઈજી તેમની શિખામણ માનતા પણ ખરા. એકવાર શ્રીગુસાંઈજીએ દામોદરદાસજીના ઘેર પધારી તેમના પિતાનું શ્રાદ્ધ કરાવેલું અને દક્ષિણામાં દામોદરદાસજીએ શ્રીગુસાંઈજીને સિદ્ધાંતરહસ્ય ગ્રંથનો દોઢ શ્લોક સમજાવેલો. દામોદરદાસજીએ શ્રીગુસાંઈજીને પુષ્ટિમાર્ગની સેવાપ્રણાલી – નિત્યની અને ઉત્સવની – સમજાવેલી. શ્રીમહાપ્રભુજીના ગ્રંથો દીનતાપૂર્વક સમજાવેલા. તદુપરાંત શ્રીમહાપ્રભુજી સાથે થયેલી ભગવદ્વાર્તા દામોદરદાસજી શ્રીગુસાંઈજી સમક્ષ કહેતા. પોતાનો દૈન્ય અને દાસભાવ સાચવીને દામોદરદાસજીએ શ્રીગુસાંઈજીને પુષ્ટિમાર્ગનું સર્વ અધ્યયન કરાવ્યું. પોતે ભગવદ્ સ્વરૂપ હોવા છતાં શ્રીગુસાંઈજી શ્રીવલ્લભના સેવક એવા આ ભગવદ્ ભક્તનો ઉત્કર્ષ પ્રકટ કરવા સર્વ કાંઈ તેમને પૂછીને જ કરતા !
આવા દામોદરદાસજી પૃથ્વી ઉપર ૭૭ વર્ષ સુધી બિરાજ્યા. સં. ૧૬૦૭માં નિત્યલીલામાં પધાર્યા.
જેમનું હૃદય શ્રીવલ્લભની અલૌકિક ભગવદ્વાર્તાની રસવર્ષા દ્વારા નિરંતર ભગવદ્ રસથી ભરેલું રહેતું એવા ભક્તશિરોમણી મહાનુભાવ પુષ્ટિસૃષ્ટિ અગ્રેસર શ્રી દામોદરદાસજીને આજના તેમના પ્રાકટ્ય દિવસે કોટિ કોટિ વંદન કરીએ.
(રાગ – સારંગ)
આજ બધાયો મંગલચાર,
માઘ માસ શુક્લ ચોથ હૈ, હસ્ત નક્ષત્ર રવિવાર. (૧)
પ્રેમસુધાસાગર રસ પ્રકટ્યો, આનંદ બાઢ્યો અપાર,
દાસ રસિક જન જાય બલિહારી, સરબસ દિયો બાર. (૨)
(સ્વર – શ્રી ભગવતી પ્રસાદ ગાંધર્વ)