Welcome to Our Community Blog to enjoy old memories including beautiful scenes, some spiritual articles and some highlights of our mother land India.

Monday, March 4, 2013

“વસંતોત્સવ – જગ હોરી, વ્રજ હોરા” (ભાગ-૬)


“વસંતોત્સવ – જગ હોરી, વ્રજ હોરા” (ભાગ-૬)
એકવાર શ્રીગુસાંઈજી બહારગામ પધાર્યા. શ્રીગિરિધરજીને ભાવના જાગી કે અમારા સતધરામાં શ્રીજીબાવાને પધરાવીએ. સતધરા એટલે સાત બાળકોનાં ઘર.

શ્રીગોવર્ધનનાથ યે ગિરિધરકો મન પાય ।

હોરી ખેલન મધુપુરી ચલન કહ્યો મુસકાય ।।

શ્રીગોવર્ધનકી શિખરતેં ગિરિધરલાલ સુજાન ।

પધરાયે ગિરિધરનકો નિજ ઈચ્છા પહિચાન ।।

સોહલસોં તેઈસકે કૃષ્ણપુરી મધુ આપ ।

ફાગુન વદ સાતમ સુભગ કર્યો મનોરથ હર્ષાય ।।

વિક્રમ સં. ૧૬૨૩ મહા વદ સાતમના દિવસે આ મનોરથ થયો. શ્રીનાથજીબાવાને વિનંતી કરી. શ્રીનાથજીબાવા હલકા ફૂલ થઈ ગયા. શ્રીગિરિધરજીએ ગોવર્ધન શિખર ઉપરથી પ્રભુને નીચે પધરાવી, મથુરા પધરાવ્યા. મહા વદ સાતમથી લઈ ઠેઠ નૃસિંહ ચૌદશ સુધી ત્યાં બિરાજ્યા. જ્યારે ખબર પડી કે શ્રીગુસાંઈજી હવે ગુજરાતથી પાછા પધારવાના છે. એમને ખબર પડશે તો તેઓ લડશે કારણ આજ્ઞા વગર પ્રભુને પધરાવ્યા છે. એટલે સવારે પ્રભુને પાછા જતિપુરા પધરાવવાનો ઉપક્રમ કર્યો અને સાંજ પહેલા પાછા જતિપુરા પધરાવ્યા. એટલે નૃસિંહ ચૌદશના દિવસે રાજભોગ અને શયનભોગ શ્રીજીબાવાને ભેગા આવ્યા. આજે પણ ભેગા આવે છે.

આજે હોળીદાંડાના દિવસથી બધા રાગ ગવાય છે. એ દિવસોમાં શ્રીગોવર્ધનધરણનો એક પ્રસંગ છે. એકવાર શ્રીગુસાંઈજી શયનના દર્શનમાં શયનભોગ સરાવીને બીડી આરોગાવી રહ્યા હતા અને ગોવિંદસ્વામી બહાર મણિકોઠામાં ઊભા ઊભા કીર્તન કરતા હતા. ત્યાં ઊભા ઊભા ગોવિંદસ્વામીએ એક સુંદર લીલાનાં દર્શન કર્યાં.

ગોવિંદસ્વામીને લાગે છે આજે શ્રીગોવર્ધનધરણનાં નેત્રો ચંચળ બની ગયા છે. એટલા બધાં રસીલાં બની ગયાં છે કે ભક્તોના રસમાં મસ્ત થવાની ભાવના રાખે છે.

શ્રી ગોવર્ધનરાય લાલા તિહારે ચંચલ નયન વિશાલા

હે ગોવર્ધનનાથ, આજે તારા નેત્રો ચંચળ બન્યા છે. ગોવિંદસ્વામીને તો સખા ભાવ છે ને! કહે છેઃ એ નેત્રો કોઈની સાથે રસમસ્તી કરવાની ઝંખના કરે છે.

તિહારે ઉર સોહે વનમાલા આપે વનમાલા ધારણ કરી છે.

આ વનમાલા પણ ભક્તોનું સ્વરૂપ છે. તેમાં દોરી છે એ પ્રેમનું સ્વરૂપ છે. અનેક ભક્તોના મન આપે હૃદય ઉપર ધારણ કર્યા છે. એ જોઈને ‘મોહી રહી સકલ વ્રજબાલા’.

આપના મનોરથો આ વ્રજભક્તો જાણી ગયા છે.

અત્યાર સુધી આપ ભક્તોના મનોરથ પૂર્ણ કરતા હતા. હવે ભક્તોએ ઈચ્છા કરી કે અમે શ્રીગોવર્ધનધરણના મનોરથ પૂર્ણ કરીએ. છે ને પરસ્પર પ્રીતિ!

યાતેં મોહી રહી સકલ વ્રજબાલા.

મુગ્ધભાવે આપના સુંદર વિશાલ નેત્રો અને હૃદય ઉપર શોભતી વનમાલાનાં દર્શન કરી રહ્યાં છે. નેત્રોમાં પ્રીતિરસ છે. એ પ્રીતિ રસ હૃદયમાં રહેલો છે એટલે નેત્ર અને હૃદય બંનેનું દર્શન કરી રહ્યાં છે. શ્રીજીબાવાનાં સુંદર વક્ષઃસ્થલને જોઈ જેમ વનમાલા આલિંગન આપી રહી છે તેમ વ્રજબાલાને પણ થઈ રહ્યું છે કે અમે પણ વનમાલાની માફક શ્રીજીબાવાના ગળામાં ઝૂલીએ. હવે ઠાકોરજી તો ભક્ત મનોરથપૂરક છે.

ખેલત ખેલત તહાં ગયે જહાં પનિહારીનકી વાટ

જેમ સવારે જળ ભરે એમ ગોપીજનો સાંજે પણ જળ ભરતાં હશે. અને વળી તેઓ બહાનું જ શોધતાં હોય કે ઘરમાંથી ક્યારે નીકળીએ અને ગોવિંદ અમને ક્યારે મળે! તો પનિહારીના રૂપમાં એ જળ તો ભરી રહી છે પણ ગાગરો ખાલી થાય છે અને ભરાય છે. ભરાય છે અને ખાલી થાય છે. ખાલી કરે છે ને પાછી ડૂબાડે છે. વળી વળીને જુએ છે કે શ્યામજી ક્યારે પધારે, ક્યારે પધારે! અને ત્યાં તો શ્રીજીબાવા પાછળથી પધાર્યા.

ગાગર ઢોરી સીસતેં  બધાં ગોપીજનોની ગાગરો ઢોળી નાખી. કોઈ ભરન ન પાવે ઘાટ  કોઈ ગાગર ભરી શકતી નથી. અમારો સાંવરો યહી કહે હૈ ઔર રસકો ક્યોં ભરોં સખી, મૈં તુમ્હારે સામને હૂં અપની ગાગર ભર લો મોંસો! તમારી આંખ ભરો, તમારા કાન ભરો, તમારા હૃદય ભરો. આખો રસિકેન્દ્ર શેખર તમારી સામે ઊભો છે!

નંદરાયકે લાડિલે બલિ ઐસો ખેલ નિવાર ।

અરે નંદરાયજીના લાડિલા, આ શું કરો છો? અમારી ગાગરો ઢોળો છો. કૃપા કરીને હવે આ ખેલ બંધ કરો. મનમેં આનંદ ભર રાો મુખ જોવત સકલ વ્રજનાર  મનમાં તો આનંદ છે કે હજુ ગાગરો ઢોળે, હજુ ગાગરો ઢોળે, આનંદ આનંદ વ્રજભક્તોના હૃદયમાં વ્યાપી ગયો છે. ઠાકોરજીના મનમાં પણ અત્યારે મનોરથો થઈ રાા છે કે મારી જેમ આ ગોપીઓ પણ મને છેડે. ક્યા મઝા આગર વો મુઝે ન છેડે? છેડછાડ ન થાય તો પ્રેમમાં આનંદ શું આવે? પ્રેમમાં તો થોડી નટખટતા હોય, થોડાં રિસામણાં મનામણાં હોય, થોડી છેડછાડ હોય તો એમાં આનંદ આવે.

શ્રીસ્વામિનીજી રંગ લઈને ક્યારના પધાર્યા છે. લાગ મળે તો આજે તો કૃષ્ણકનૈયાને રંગી નાખું.

અરગજા કુમકુમ ઘોરીકે પ્યારી કર લીનો લપટાય.

અરગજા અને કંકુ  સફેદ અને લાલ રંગ બંને ભેગા કર્યાં છે. અરગજા એટલે સુગંધી અબીલ. તેમાં કંકુ ભેળવીને જળની અંદર ઘોળી લીધા છે અને તેનાથી બંને હાથ ભરી લીધા છે. પછી પાછળ હાથ રાખી ધીરે ધીરે  અચકા અચકા આઈકે  શ્રીઠાકોરજી હજી તો જોઈ રહ્યા છે. એવામાં ધીરેથી આવીને, ચોર પગલે આવીને, શ્યામસુંદરને ખબર ન પડે એ રીતે પાછળથી  આવીને, શ્રીઠાકોરજીના બંને ગાલ રંગી દીધા.

ગિરિધર ગાલ લગાય. પછી શ્રી રાધાજી ક્યાં ભાગી ગયા તે ખબર ન પડી અને ગોવિંદસ્વામી કીર્તન કરતાં અટકી ગયા. આરતી કરી ગુસાંઈજી પધાર્યા. ગોવિંદસ્વામીને કહે છેઃ ‘તમારી ધમાર તો અધૂરી રહી.’

‘કહા કહૂં મહારાજ, વો ધમાર તો ભાજ ગઈ! જે ધમાલ કરનાર હતી તે તો ભાગી ગઈ. હવે આગળ હું કીર્તન કરું કેવી રીતે? ધમારમાં બે પંક્તિઓ શ્રીગુસાંઈજીએ ઉમેરી છે.

યહ વિધિ હોરી ખેલહી વ્રજવાસીન સંગ લાઈ

શ્રીગોવર્ધનધર રૂપ પર જન ગોવિંદ બલ બલ જાઈ

આ રીતે શ્રીઠાકોરજી વ્રજવાસીઓ સાથે હોરી ખેલી રહ્યા છે.

શ્રીનાથજીનો પાટોત્સવ લગભગ બધા જ ઘરોમાં મનાવાય છે. શ્રીનાથજીની ભાવનાનું સ્વરૂપ પધારે છે. અને જે ઘરમાં જે સ્વરૂપ બિરાજતું હોય તેમની સાથે એમને ખેલ થાય છે.

આ દિવસોની અંદર શયનના સમયે રાળ પણ ઊડે છે. આમ તમને લાગે કે રાળ દ્વારા અગ્નિની ઝાળ ઊડી રહી છે. એ અગ્નિ શા માટે પ્રગટાવાતો હશે? શા માટે રાળ ઊડતી હશે? નાનપણમાં જ્યારે બાલકૃષ્ણલાલજીની સામે રાળ ઊડતી જોઉં ત્યારે મને ઘણીવાર થતું કે અગ્નિ શા માટે પ્રગટાવાતો હશે? પણ વખત જતાં સમજાયું કે આ તો હૃદયનો વિરહાનલ છે. જેમ જેમ ભૂખ ઉઘડતી જાય તેમ તેમ રસની માગ વધતી જાય. હજુ વધારે, હજુ વધારે, વધારે ને વધારે જોઈએ. આ સંયોગરસ એવો છે કે એ હજુ વધારે રસ મળે એવા અગ્નિને પ્રકટ કરે છે. વિપ્રયોગની અંદર જો સંયોગરસ છે તો સંયોગમાં વિપ્રયોગ રસ છે. ઔર મિલે, ઔર મિલે એવી જ હૃદયની લગની છે, એ જ આ અગ્નિ સ્વરૂપે પ્રભુ પાસે પ્રગટ થાય છે. એની ઝાળ જાણે ચારે બાજુથી પ્રદીપ્ત બની જાય છે. અત્યારે આપણે જે ક્રમ જોઈ રહ્યાં છીએ એ ક્રમમાં ઠેઠ વંસતપંચમીથી લઈ દોલોત્સવ સુધી પહોંચવાનું છે. આ દિવસોમાં ઘણા બધા સુંદર કીર્તનો મહાનુભાવોએ ગાયાં છે પણ આપણે એ બધાં સુધી પહોંચી શકીએ તેમ નથી. મહા સુદ દસમથી ફાગણ સુદ પાંચમ સુધી હોરીખેલનો ત્રીજો તબક્કો શરૂ થાય છે.

(ક્રમશઃ)

No comments:

Post a Comment