Welcome to Our Community Blog to enjoy old memories including beautiful scenes, some spiritual articles and some highlights of our mother land India.

Monday, March 4, 2013

“વસંતોત્સવ – જગ હોરી, વ્રજ હોરા” (ભાગ-૨)






“વસંતોત્સવ – જગ હોરી, વ્રજ હોરા” (ભાગ-૨)

પહેલાં ચક્ષુપ્રીતિ થાય છે. પ્રેમ કઈ રીતે પ્રવૃત્ત થાય એની એક પ્રક્રિયા શાસ્ત્રોએ બતાવી છે. લાગાલાગી લોચન કરે નાહક મન જરી જાય. પછી મનસંગઃ થાય. જે વસ્તુ આંખોથી મનમાં-અંતરમાં ઉતરી હોય એ મનની અંદર ઘોળાયા કરે. એટલે આસક્તિ વધે. પછી સંકલ્પોત્પત્તિ થાય. સતત પ્રેમીને મળવા માટે મનમાં સંકલ્પો થયા કરે. એ મળવાનો રસ્તો શોધ્યા કરે. મળવા માટે અનેક પ્રકારના સંકલ્પો એના ચિત્તમાં જાગે. ત્યારપછી ચોથી દશા આવે છે નિદ્રાઉચ્છેદઃ. રાત્રે ઊંઘ જ ન આવે. ઊંઘ કદાચ આવે તો પણ સ્વપ્નમાં યે એનું એ જ દેખાય. નિદ્રા ઉચ્છેદ એ વ્યસન દશા છે કારણકે આસક્તિ પછી વ્યસન દશા આવે છે. નિદ્રા ઉચ્છેદમાં કાલ, કર્મ અને સ્વભાવ ત્રણેયની મર્યાદાઓનો નાશ થાય છે.

તમે કલાકોના કલાકો સુધી એને માટે કાંઈને કાંઈ કર્યા કરો. પછી તે સામગ્રી બનાવો, સુંદર વસ્ત્રો અને સાજ બનાવો, આરતી બનાવો કે માળાજી બનાવો. સમય ક્યાં જાય તેની ખબર જ ન પડે. વારેઘડીએ ઘડિયાળ સામે જોવું ન પડે કે કેટલા વાગ્યા, કેટલા વાગ્યા. બોલો, આજે આપણને આવું થાય છે? ૧૫ મિનિટની સેવા હોય તો પણ એમ થાય છે કે ક્યારે જલ્દી પૂરી થાય!

કારણકે હજુ આપણામાં અરતિ છે, વિરતિ છે. એ પ્રેમની ઉત્પત્તિ જ થઈ નથી. કાલમર્યાદા જેમ તૂટી જાય છે તેમ કર્મમર્યાદા પ્રેમ થતાં તૂટી જાય છે. કર્મને લીધે કોઈ પતિ, કોઈ ભાઈ, કોઈ મા, કોઈ બાપ, આ બધાંની આપણને મર્યાદાઓ છે. આપણું મન એમાં જાય છે. થોડીવાર ઠાકોરજીમાં લાગે વળી થાય પેલાની નિશાળનો ટાઈમ થશે. જલદી દોડો. પરંતુ પ્રભુમાં જ્યારે પ્રીતિ પ્રગાઢ બને ત્યારે કર્મમર્યાદાઓ ભૂલાઈ જાય છે. શું થયું અને શું નહિ થયું તેનો ખ્યાલ ન રહે. જેને જે કરવું હોય તે કરે. કોણ કેટલું બોલે છે કાંઈ સાંભળવાનું નહિ. સ્વભાવની મર્યાદા પણ આવે. આપણે આપણા સ્વભાવથી જ્ઞાન, ક્રિયા અને ઈચ્છા કરીએ છીએ. આપણી ઈચ્છા, આપણી ક્રિયા, આપણું જ્ઞાન આ બધું જેમાં ભૂલાઈ જાય. આપણે એટલે આપણે એક નામધારી, એક દેહધારી નહિ પરંતુ આપણે એક જીવ સ્વરૂપ રહી જઈએ. એમાં ભગવદિચ્છા, ભગવદ્‌જ્ઞાન અને ભગવદ્‌રૂચિનો પ્રકાર જાગી જાય. ત્યારપછીની દશા આવે છે વિષયેભ્યોવાવર્તનમ્‌. પછી કોઈ વિષયમાં મન ન લાગે. આ કનૈયો છે જ એવો. એનું નામ કૃષ્ણ છે. એ આકર્ષણ કરે છે. પોતાની તરફ ખેંચે છે.

તન્મનસ્કાઃ તદાલાપાઃ તદ્‌વિધેષ્ટા તદાત્મિકાઃ ।

તદ્‌ગુણાનેવ ગાયન્ત્યો નાત્માગારિણી સત્સ્મરોઃ ।।

તન્મનસ્કાઃ મનને પૂછો કે તારી અંદર બીજું કોઈ છે, કૃષ્ણ વગર? તો મન કહેશેઃ મન બીજે ક્યાં જશે?

મન ન ભયે દસવીસ, એક હતો સો ગયો શ્યામસંગ

કો આરાધે ઈશ, મન ન ભયે દસવીસ.

તદાલાપાઃ વાતો કરે તોયે પ્રિયતમની જ કરે. ગુસપુસ કરે તો પણ પ્રિયતમની અને ચેષ્ટાઓ કરે તો પણ પ્રિયતમની લીલાઓની કરે.

તદાત્મિકાઃ ઘર  દેહ ગેહ બધું ભૂલાઈ જાય. ત્યાર પછી બે દશા આવે છે. લજ્જાપ્રનાશઃ અને ઉન્માદઃ. પછી કોઈ જાતની લજ્જા રહેતી નથી. સાસુ, નણંદ, સમાજ શું કહેશે, દુનિયા શું કહેશે તેની ચિંતા રહેતી નથી. દુનિયાને જે કહેવું હોય તે કહે. હોં તો ચરનકમલ લપટાની. કોઉ વંદો કોઉ નિંદો. સખિ, કોઈ મારી નિંદા કરે કે કોઈ મને વંદન કરે. મને કોઈની પડી નથી. હું તો પ્રભુના ચરણકમલમાં લપટાણી છું. આ ભાવ એના હૃદયમાં આવે છે.

અને આ ભાવનાં તમારે દર્શન કરવા હોય તો એ ભાવ વસંતલીલામાં આવે છે. ઉન્માદઃ અને લજ્જાપ્રનાશઃ. કોઈપણ જાતની સમાજની મર્યાદા વગર ઠાકોરજી પોતાના રંગથી ભક્તોને રંગે છે અને ભક્તો પોતાના રંગોથી ઠાકોરજીને રંગે છે. ત્યારપછી આવે છે ઉન્માદ. પ્રેમનો એક નશો એમના હૃદયની અંદર છવાઈ જાય છે. આ દશામાં જીવ અને બ્રહ્મ એવા બે ભેદભાવ રહેતા નથી. ભક્ત અને ભગવાન એક સમાન કોટિના બની જાય છે. જો આ સમાન ભાવ ન આવે તો ભક્ત પોતાનો રંગ પ્રભુ ઉપર નાખી કેવી રીતે શકે?  ભગવાનના રંગથી તો આપણે રંગાઈએ પણ આપણો રંગ આપણે શ્રીઠાકોરજી ઉપર કેવી રીતે નાખી શકીએ? આજે તમે  દર્શનમાં આવો ત્યારે ઠાકોરજીના રંગોથી રંગાઈ જાઓ પણ સામે થોડા ઝોળીઓ ભરીને રંગ નાખી શકવાનાં છો? અહીં તો સામસામે લીલા થાય છે. જીવ જીવની મર્યાદા ભૂલી જાય છે. બ્રહ્મ બ્રહ્મની મર્યાદા ભૂલી જાય છે. નિર્મર્યાદ બનીને એક ઉન્માદભર્યો ખેલ ચાલે છે. આમાં બે દશા નથી આવતી. એક મૂર્છા નથી આવતી અને મરણ નામની દશા નથી આવતી, કારણ આ પરમ આનંદનો ખેલ છે.

પૂર્ણે અનુગ્રહે જાતે રસાશ્રયઃ  એનામાં પૂર્ણ રસાશ્રય થાય છે. એટલો બધો રસનો આશ્રય હૃદયમાં થાય છે કે પરબ્રહ્મ પરમાત્મા જે રસરૂપ છે તે પોતે પણ ગોપીજનોના ભક્તોના રંગમાં, રાધાજીના રંગમાં, શ્રીચંદ્રાવલીજીના રંગમાં ડૂબી જાય છે.

એટલે કીર્તનરસાસ્વાદ માટે મેં પહેલું કીર્તન પસંદ કર્યું છેઃ આનંદ સિંધુ બઢ્યો હરિ તનમેં । જો આ ભાવ તમે સમજો તો જ આખી વસંતલીલા સમજાશે.

(ક્રમશઃ)




No comments:

Post a Comment